![]() |
શીખવા માટે સાંભળવું જરૂરી છે. |
સાંભળવાનું શિક્ષણ ધ્યાનપૂર્વક સાંભળવું-શિક્ષણની જરુર
આશ્ર્ચર્યની વાત એ છે કે શિક્ષણની સંસ્થાઓમાં શ્ર્વાસ કેવી રીતે લેવો અને સાંભળવું કઈ રીતે તેનું શિક્ષણ આપવામાં આવતું નથી. આનંદની વાત એ છે કે શ્ર્વાસોચ્છ્વાસની બાબતમાં જાગૃતિ આવતી જાય છે અને વ્યવસ્થિત શ્ર્વસન માટે પ્રાણાયામનું પ્રશિક્ષણ હવે ઠીક ઠીક પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ સાંભળવાના પ્રશિક્ષણ વિશે બહુ જ ઓછું સાંભળવા મળે છે.
દુર્ભાગ્યની વાત એ છે કે મોટાભાગના લોકો કાનનો વ્યવસ્થિત ઉપયોગ કરતા નથી અને તે બાબતમાં સભાન થવાથી જીવનમાં સફળતા અને સુખ બંને મળે છે. માણસની અનેક તકલીફો, સંઘર્ષો અને તનાવ બરાબર ન સાંભળવાની આદતમાંથી જન્મેલાં છે. પતિ-પત્ની, માબાપ-સંતાન, શિક્ષક-વિદ્યાર્થી, ડાક્ટર-પેશન્ટ... જો એકબીજાને બરાબર સાંભળે તો ઘણી બિનજરૂરી સમસ્યાઓને ટાળી શકાય.
બહેરા લોકો વધુ સારી રીતે સાંભળે છે
જાણીને આશ્ર્ચર્ય થશે કે બહેરા લોકો વધુ સારી રીતે સાંભળી શકે છે. આ અશક્ય નથી. સાંભળવાથી ક્રિયા બે રીતે થાય છે. સ્થૂળ રીતે અને સૂક્ષ્મ રીતે. કાન પર શબ્દો પડે અને કુદરતની યોજના પ્રમાણે સંભળાય તે એક વાત થઈ, અને સાંભળ્યા પછી તે શબ્દો કાન થકી મન-હૃદય સુધી પહોંચે તે બીજી વાત થાય.
બધામાં પહેલી વાત તો થાય જ છે, પરંતુ બીજી વાત બધામાં થતી નથી. ‘સાંભળીને ન સાંભળવું’ જાણીતો શબ્દ પ્રયોગ છે. તેથી બહેરા લોકો ભલે ભૌતિક રીતે સાંભળતા નહીં હોય પણ સામેની વ્યક્તિ ઇશારાથી જે સંદેશ આપવા માંગે છે તે બરાબર સમજતા હોવાથી તેઓ ‘સારી રીતે સાંભળે છે’ એમ કહેવાય. બ્રુનો કાહને નામની એક વ્યક્તિએ અસંખ્ય બહેરી વ્યક્તિઓનો અભ્યાસ કર્યો, અને તેમની ‘શાંત સંસ્કૃતિ’ (silent-cultare)ને નજીકથી જોઈ. તેમનું તારણ છે કે બહેરા લોકો વધુ સારી રીતે સાંભળી શકે છે. આવા લોકો પાસેથી અરસ-પરસના સ્વસ્થ સંબંધો માટે બ્રુનો પાંચ પાઠ શીખ્યા.
![]() |
પ્રતિકાત્મક તસવીર |
1. લોકોની આંખમાં જુઓ :
જેને સાંભળી રહ્યા હોઈએ તેની આંખમાં સીધું જોવાથી સંપર્ક તરત સાધી શકાય છે, અને ધ્યાનથી સાંભળી શકાય છે. કોઈ બોલે ત્યારે કેટલાક લખતા હોય છે અથવા બીજે જોતા હોય છે, પરિણામે તેની વાત સંભળાતી જ નથી - જેને માટે ‘એક કાનથી સાંભળવું, બીજા કાનથી કાઢી નાંખવું’ એવો શબ્દપ્રયોગ છે. જ્યારે બહેરા લોકો કહેનારના ઇશારા તરફ બરાબર ધ્યાન આપે છે તેથી વધુ ગ્રહણ કરે છે અને મગજમાં સાચવી પણ શકે છે. ધ્યાનપૂર્વક સાંભળેલું હૃદય સુધીનો પ્રવાસ કરે છે અને ભુલાતું નથી. ધ્યાનથી સાંભળેલી વાત મનમાં ઘર કરી જતી હોય છે.
2. વચ્ચે દખલ ન કરો :
ઘણા લોકો બોલનારને પૂરું સાંભળતા જ નથી હોતા. તેને વચ્ચે જ બોલતાં રોકે છે તેથી કહેનારને અન્યાય થતો હોય છે. પતિ-પત્ની વચ્ચે, અધિકારી-કર્મચારી વચ્ચે, શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે બરાબર આ જ થતું હોય છે. એકવાર એક કાલેજના આચાર્ય એક વિદ્યાર્થિનીને કોઈ એક કારણસર સીધા ધમકાવવા જ લાગ્યા. વિદ્યાર્થિની હિંમતવાળી હતી. તેણે કહ્યું, ‘સર, મને પૂરું સાંભળો તો ખરા!’ આચાર્યએ પૂરી વાત સાંભળી ત્યારે ખબર પડી કે વિદ્યાર્થિની સાચી હતી. ડાક્ટર પણ દરદીને પૂરું સાંભળે તો અડધી રાહત તો તેને ત્યાં જ થઈ જતી હોય છે. જ્યાં પતિ પત્નીની પૂરી વાત સાંભળતો હશે ત્યાં ચોક્કસપણે સુખી દાંપત્ય હશે. સંવાદ તોડવો એટલે સંબંધ તોડવો.
3. સરળ રીતે કહો :
બહેરા લોકોને સરળ ભાષા સમજાય, અટપટી નહીં. તેઓ થોડામાં ઘણું કહે છે અને સાંભળે છે. સૌએ શબ્દોમાં સરળ અને કરકસરવાળા થવાની જ‚ર છે. લોકોને લાંબું વર્ણન, શણગારેલા શબ્દો, અટપટી વાતો... એ બધું ગમતું નથી અને ગમતું નથી તેથી સમજાતું નથી. 'short and sweet' (ટૂંકું અને મધુર) બધાને ગમે. તમે બોલવામાં જેટલા સરળ તેટલા સફળ બ્રુનો કહે છે 'slower the faster'.
4. ન સમજાય તો ફરી કહેવાનું કહો :
‘સારી, હું સમજ્યો નહીં’ એમ કહેવાથી સામેવાળો બીજી વાર વાત કહે છે. આવી વિનંતી સાંભળતી વખતે કરવી જોઈએ. ફરીથી કહેવાની વિનંતીના બે લાભ છે. આપણી સ્પષ્ટતા થાય અને કહેનારને આપણે બરાબર સાંભળીએ છીએ તે જાણીને આનંદ થાય. બહેરા લોકોને ઇશારો ન સમજાતાં તેઓ ફરીથી સમજાવવાનું કહેતા હોય છે. આ દરેકે કરવાની જરૂર છે.
5. કહેનાર પર ફોકસ રાખો :
કોઈ કહેતું હોય ત્યારે આડાંઅવળાં બીજાં કામો નહીં કરવાં જોઈએ. કેટલાક લોકો છાપું વાંચે છે, કેટલાક કોઈને સાંભળતાં સાંભળતાં ટી.વી જુએ છે, પત્ની શાક સમારતાં સમારતાં સાંભળે છે, ડોક્ટર એક દરદીની નાડી હાથમાં રાખીને બીજા દરદીને સાંભળતા હોય છે. આવા સાંભળવામાં કોઈ ભલીવાર હોતો નથી. કહેનાર પર ફોકસ કેન્દ્રિત કરવાથી તેને કહેવાનો સંતોષ થાય છે, તેને ભરોસો પડે છે, તે તમારા તરફ આકર્ષાય છે, સંબંધો સુધરે છે. ‘તમે મારા માટે મહત્ત્વના છો’ એવો છૂપો સંદેશ સાંભળનાર તરફથી કહેનારને જવો ખૂબ જ‚રી છે. અર્જુને કૃષ્ણ પર ફોકસ કરીને ગીતા સાંભળી તેથી તેનો વિજય થયો, તેથી તેનો મોહ ગયો અને સદ્બુદ્ધિ પ્રાપ્ત થઈ.
સાચે જ ‘સારી રીતે સાંભળવું’ એ શિક્ષણના અભ્યાસક્રમમાં ન હોવાથી ઘણી શિક્ષિત વ્યક્તિઓ આજે અશિક્ષિત લાગે છે. કદાચ આ શિક્ષણ આપણે જ આપણી જાતને આપવું પડશે. બહેરા-મૂંગા મિત્રોનું સ્મરણ કરીને સારી રીતે સાંભળતાં શીખીએ.
ટિપ્પણીઓ નથી: